fbpx
Sunday, May 19, 2024

ખૂબ જ દુર્લભ સંયોગ સાથે દશેરા, જાણો કઈ પૂજા વિધિથી મળશે સમૃદ્ધિ!

આસો નવરાત્રીની પૂર્ણાહુતિ બાદનો બીજો દિવસ એટલે દશેરાનો દિવસ. આમ તો, દશેરાનો સંપૂર્ણ દિવસ અત્યંત શુભ મનાય છે. કારણ કે તે આસુરી તત્વો પર શુભત્વના વિજયનો અવસર છે. વર્ષની કેટલીક ખાસ તિથિઓની જેમ જ દશેરા પણ વણજોયું મુહૂર્ત મનાય છે. તે વિજયાદશમી તરીકે પણ ખ્યાત છે.

પરંતુ, આ વખતે તો આ વિજયાદશમીનો અવસર વિશેષ સંયોગ સાથે આવ્યો છે. જે સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનાર મનાય છે. ત્યારે આવો, તે વિશે વિગતે જાણીએ.

દશેરા માહાત્મ્ય

આસો માસની શુક્લ પક્ષની દસમી તિથિએ ઉજવાતો દશેરાનો ઉત્સવ એ હિંદુ સંસ્કૃતિના મુખ્ય તહેવારોમાંથી એક છે. આ વર્ષે આ ઉત્સવ 5 ઓક્ટોબર, 2022, બુધવારના રોજ ઉજવાશે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ વર્ષે દશેરાના અવસર પર અનેક શુભ યોગ સર્જાઈ રહ્યા છે. જે વિશેષ ફળની પ્રાપ્તિ કરાવનારા મનાય છે. પ્રચલિત કથા અનુસાર દશેરાના દિવસે જ આદ્યશક્તિ જગદંબાએ અસુર મહિષનો વધ કર્યો હતો. મહિષાસુરનો વધ કરી દેવી મહિષાસુરમર્દિની બન્યા. તો, ભગવાન શ્રીરામે રાવણનો વધ પણ આ દસમી તિથિએ જ કર્યો હોવાની કથા પ્રચલિત છે. અને એટલે જ આ ઉત્સવ વિજયાદશમી તરીકે પણ પ્રસિદ્ધ થયો છે. આ દિવસે લોકો આદ્યશક્તિની અને શક્તિના પ્રતિક એવાં શસ્ત્રોની પૂજા કરતા હોય છે.

વિશેષ સંયોગ

આ વખતે દશેરા શ્રવણ નક્ષત્રમાં છે. જેને લીધે છત્ર યોગ બની રહ્યો છે. સાથે જ રવિ, સુકર્મા, ધૃતિ, હંસ અને શશ યોગ જેવાં રાજયોગ એકસાથે સર્જાઈ રહ્યા છે. દશેરા પર્વ પર આટલા બધાં યોગનું એક સાથે હોવું એ એક દુર્લભ સંયોગ મનાય છે. 6 શુભ યોગ સાથે આવેલો દશેરાનો પર્વ સવિશેષ ફળદાયી મનાઈ રહ્યો છે. દશેરાએ લોકો અસ્ત્ર-શસ્ત્રની પૂજા કરે છે. તો, ઘણાં ભક્તો માતા દુર્ગા અને શ્રીરામજીની પ્રતિમાની સ્થાપના કરી તેમની પૂજા કરે છે. તો આ દિવસ ગ્રહદોષથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારો પણ મનાય છે. ત્યારે આવો જાણીએ આ દિવસની વિશેષ પૂજા.

પૂજાની વિધિ

⦁ દશેરાના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી પૂજાનો સંકલ્પ કરો.

⦁ એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના પર શ્રીરામ અને મા દુર્ગાની પ્રતિમાની સ્થાપના કરો.

⦁ બાજોઠ પર હળદર મિશ્રિત ચોખાથી સાથિયો બનાવો.

⦁ સર્વ પ્રથમ ગજાનન ગણેશજીનું આવાહન કરો.

⦁ નવગ્રહોની સ્થાપના કરી ઈષ્ટદેવનું સ્મરણ કરો.

⦁ પૂજામાં લાલ રંગના પુષ્પ અર્પણ કરવા.

⦁ ગોળમાંથી બનેલી વાનગી નૈવેદ્ય રૂપે ધરાવવી.

⦁ આ દિવસે બ્રાહ્મણોને દાન-દક્ષિણા દેવી.

⦁ જરૂરિયાતમંદોને ભોજન કરાવવું.

⦁ આ દિવસે ઘરના મંદિર પર ધર્મધજા લહેરાવી શકાય.

⦁ આ દિવસે લક્ષ્‍મીસુક્તનો પાઠ કરવો લાભદાયી બની રહેશે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાની વૃદ્ધિ થશે અને સાથે જ ઘરમાં દેવી લક્ષ્‍મીનો વાસ થશે.

દશેરા મુહૂર્ત :

સવારે ૬:૪૦ થી ૯:૪૦

સવારે ૧૧ થી ૧૨:૨૫

બપોરે ૩:૨૫ થી ૬:૧૫

દશેરાનો ઉત્સવ ભક્તોને એ વાતનો નિર્દેશ કરે છે કે તેમણે પણ અનિષ્ટ વિરુદ્ધ લડવા તૈયાર રહેવું જોઈએ. માતા દુર્ગાની કૃપાને પ્રાપ્ત કરવાનો આ સર્વોત્તમ અવસર છે. એમાં પણ શુભ મુહૂર્તમાં થયેલી પૂજા ભક્તોને વિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારી બની રહેશે. આ યોગમાં પૂજાપાઠ કરવાથી ઘરની નકારાત્મક ઊર્જાનો નાશ થઈ જાય છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. આ દિવસે કોઈપણ વસ્તુની ખરીદી કરવી પણ લાભદાયી બની રહેશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles