fbpx
Friday, April 26, 2024

શરદ પૂર્ણિમાએ જ પ્રગટ્યા દેવી લક્ષ્મી, આજે આ ઉપાયથી મળશે અષ્ટલક્ષ્મીની કૃપા!

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં શરદ પૂર્ણિમાને ખૂબ જ પુણ્યદાયક પર્વ માનવામાં આવે છે. અને આજે આ જ રૂડો અવસર છે. માન્યતા અનુસાર આ દિવસે કરવામાં આવતા ઉપાયો ખૂબ જ સિદ્ધ અને શીઘ્ર ફળદાયી હોય છે. આપણે સૌ જીવનભર માતા લક્ષ્‍મીની પાછળ દોડતા રહીએ છીએ, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની ખેવના માટે.

આપણે આપણાં પુરુષાર્થની સાથે નિત્ય પૂજા, અર્ચના, દાન-પુણ્ય, વ્રત વગેરે માતા લક્ષ્‍મીની કૃપા પ્રાપ્તિ માટે કરતા હોઇએ છીએ. પરંતુ, શરદ પૂર્ણિમા એ દિવસ છે કે જે દિવસે માતા લક્ષ્‍મીનું અવતરણ થયું હતું. એટલે આ દિવસે માતા લક્ષ્‍મીની પૂજા-આરાધના કરીને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. એટલું જ નહીં, અષ્ટલક્ષ્‍મીને પ્રસન્ન કરીને તેમના આશિષની પ્રાપ્તિ પણ કરી શકા છે. આવો, તે વિશે વિગતે જાણીએ.

દેવી લક્ષ્‍મીની પ્રસન્નતા

⦁ શરદ પૂર્ણિમાના રોજ મંદિરમાં જઇને માતા લક્ષ્‍મીને અત્તર અને સુગંધિત અગરબત્તી અર્પણ કરવી જોઇએ. અત્તરની શીશી ખોલીને માતા લક્ષ્‍મીના વસ્ત્ર પર છંટકાવ કરવો. અગરબત્તીને પ્રજવલિત કરીને ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાર્થના કરવી અને દેવી માતા લક્ષ્‍મીને પોતાના ઘરમાં સ્થાયી થવા માટે પણ પ્રાર્થના કરવી. આ રીતે પ્રાર્થના કરવાથી માતા લક્ષ્‍મી આપના તમામ સંકટો હરી લે છે.

⦁ શરદ પૂર્ણિમાએ માતા લક્ષ્‍મીનો પ્રાગટ્ય દિવસ મનાતો હોઈ આ દિવસે લક્ષ્‍મી સહસ્ત્રનામ, સિદ્ધિલક્ષ્‍મી કવચ, શ્રીસૂક્ત, લક્ષ્‍મી સૂક્ત, મહાલક્ષ્‍મી કવચ, કનકધારાસ્તોત્રના શક્ય એટલા વધારે પાઠ કરવાથી માતા લક્ષ્‍મીની કૃપા આપના પર હંમેશા બની રહે છે.

⦁ માતા લક્ષ્‍મીને ખીર અત્યંત પ્રિય છે. શાસ્ત્રોમાં તો કહેવાયું છે કે ગાયના દૂધમાં તો માતા લક્ષ્‍મીનો વાસ છે. એટલે જો આજના દિવસે શક્ય હોય તો ગાયના દૂધમાં ખીર બનવો. ખીરમાં તમારા સામર્થ્ય અનુસાર કેસર તેમજ સૂકામેવા ઉમેરો. ત્યારબાદ આ ખીર માતા લક્ષ્‍મીને અર્પણ કરવી.

⦁ ખીરને ચાંદીના પાત્રમાં પીરસવી જોઈએ. કારણ કે, ચાંદીમાં પ્રતિરોધક શક્તિ વધુ હોય છે જે વિષાણુઓને દૂર કરે છે.

અષ્ટલક્ષ્‍મીના આશીર્વાદ

⦁ આજે શરદ પૂર્ણિમાએ માતા અષ્ટલક્ષ્‍મીની પ્રતિમા કે ફોટો લઈને તેના પર કેસરનું તિલક કરો.

⦁ માતાજીને 8 કમળ અર્પણ કરીને મહાલક્ષ્‍મી અષ્ટકમનું પઠન કરો.

⦁ માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી કુંડળીમાં ગમે તે યોગ હોય તો પણ માતા લક્ષ્‍મી તેમના ભક્તને અતુલ્ય ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે છે !

સરળ ઉપાયથી સમૃદ્ધિ

⦁ આજે તાંબાના વાસણમાં દેશી ઘી ભરીને કોઇ બ્રાહ્મણને તેનું દાન કરવું સાથે જ બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા પણ આપવી. આ કાર્યથી પુણ્યની પ્રાપ્તિ થશે અને આપની આર્થિક સ્થિતિ સમૃદ્ધ બનશે. આ દિવસે બ્રાહ્મણને ખીર અને વસ્ત્રનું દાન કરવાથી પણ ખૂબ લાભ થાય છે.

⦁ શરદ પૂર્ણિમાએ સંધ્યા સમયે 11 કે તેનાથી વધુ સંખ્યામાં ઘીના દીવા પ્રજવલિત કરીને ઘરના પૂજા સ્થાન, છત, ગાર્ડન તેમજ તુલસીક્યારે રાખવા. શક્ય હોય તો દીપમાલાથી ઘરની સજાવટ કરવી. તેનાથી પણ માતા લક્ષ્‍મી પ્રસન્ન થઇને તેમના આશીર્વાદ વરસાવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles