fbpx
Saturday, April 27, 2024

દુર્લભ યોગ સાથે મોક્ષદા એકાદશી, આ 6 વસ્તુઓનું દાન અપાવશે અખૂટ આશીર્વાદ!

મોક્ષદા એકાદશીએ તેના નામની જેમ જ મોક્ષની પ્રાપ્તિ કરાવનારી એકાદશી મનાય છે. એમાં પણ આ વખતે બે દિવસ સુધી આ એકાદશીનો શુભ સંયોગ સાંપડ્યો છે. શૈવપંથીઓ આજે 3 ડિસેમ્બર, શનિવારના રોજ આ એકાદશીનું વ્રત કરી શકશે. તો વૈષ્ણવપંથીઓ 4 ડિસેમ્બર, રવિવારના રોજ આ એકાદશી ઉજવી પુણ્યનું ભાથું બાંધશે. કહે છે કે જે વ્યક્તિ આસ્થા સાથે આ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે, તે જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થઇને વૈકુંઠલોકમાં જાય છે.

પણ, શું તમે જાણો છો, આ એકાદશીએ તો દાન કરવા માત્રથી પણ તમે અઢળક પુણ્ય પ્રાપ્ત કરી શકો છો !

ગીતા જયંતી

મહાભારતના યુદ્ધ સમયે જ્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતાના ઉપદેશ આપ્યા હતા, તે દિવસે માગસર સુદ એકાદશીનો જ હતો. એટલે જ મોક્ષદા એકાદશીને ગીતાજયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. અને આ દિવસે કરવામાં આવતા કાર્યનું પુણ્ય અનેકગણું વધી જાય છે.

શુભ સંયોગ

આજે 3 ડિસેમ્બર, શનિવારના રોજ મોક્ષદા એકાદશીએ રવિયોગનો સંયોગ બની રહ્યો છે. કહે છે કે રવિયોગમાં કામ કરવાની શરૂઆત કરવાથી સૂર્યદેવ અને વિષ્ણુદેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. જેનાથી આપનું કાર્ય અવરોધ વિના પૂર્ણ થાય છે. ત્યારે આવો જાણીએ કે આ દિવસે એવાં કયા દાન કરવા જોઈએ, કે જેનાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે.

ગરમ કપડાંનું દાન

ડિસેમ્બર મહિનામા ઠંડી વધુ પડતી હોય છે અને એટલે જ આ દરમ્યાન આવતી મોક્ષદા એકાદશીના દિવસે જરૂરિયાતમંદોને ગરમ કપડાં કે ધાબળા દાન કરવા જોઇએ. માન્યતા અનુસાર આ દાન આપના જીવનમાં સૌભાગ્ય લાવે છે અને વ્યક્તિની પ્રગતિના દ્વાર ખુલી જાય છે.

અનાજનું દાન

મોક્ષદા એકાદશીના દિવસે ગરીબોને અનાજનું દાન કરવાથી આપની સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. કહે છે કે આ દિવસે ઘઉં, ગોળ, દાળ, ચોખા, તલ કે સાકરનું દાન કરનાર વ્યક્તિના જીવનમાં ક્યારેય અન્નના ભંડાર નથી ખૂટતા !

સરસવના તેલનું દાન

મોક્ષદા એકાદશી પર આ વખતે શનિવાર છે. એટલે કે આજે તમે સરસવના તેલનું દાન કરીને શનિ મહારાજની કૃપા પણ પ્રાપ્ત કરી શકો છો ! આ દાન માટે એક લોખંડના વાસણમાં સરસવનું તેલ લેવું. તેમાં 1 રૂપિયાનો સિક્કો ઉમેરીને તે તેલમાં પોતાનો ચહેરો જોવો અને ત્યારબાદ કોઈ ગરીબને તેનું દાન કરી દેવું. દાન કરવાને બદલે તમે આ પાત્રને પીપળાના વૃક્ષની નીચે પણ મૂકી શકો છો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપના રોકાયેલા કાર્યો પણ પૂર્ણ થઈ જશે.

વિદ્યા દાન

શાસ્ત્રોમાં વિદ્યાનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે આ એક એવું દાન છે જે વહેંચવાથી વધે છે. એકાદશીના દિવસે કોઇ જરૂરિયાતમંદ બાળકને ભણતર સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી સમાજનું કલ્યાણ થાય છે. કહે છે કે આ દિવસે કોઇ ગરીબ બાળકના અભ્યાસની જવાબદારી ઉપાડવાનો સંકલ્પ લેવાથી માતા લક્ષ્‍મી અને માતા સરસ્વતી બંનેના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

ધાતુનું દાન

ધાતુનું દાન જેમ કે લોખંડનું દાન શનિવારે કરવું અતિ ઉત્તમ માનવામાં આવે છે. ત્યારે આજે તો શનિવાર અને મોક્ષદા એકાદશીનો શુભ સંયોગ છે. કહે છે કે આજના દિવસે જે વ્યક્તિ લોખંડની વસ્તુઓનું દાન કરે છે, તેના જીવનમાં આવનારી સમસ્યાઓ તો આવતા પહેલાં જ ટળી જાય છે.

દવાનું દાન

કહે છે કે મોક્ષદા એકાદશીના દિવસે આપ જો કોઇ બીમાર, અસહાય વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત મદદ કરો છો, તો આપને અખૂટ પુણ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles