fbpx
Sunday, May 19, 2024

નરસિંહ જયંતિ પર ગોધૂલી કાળની પૂજા શા માટે વિશેષ મહિમા છે? આ સાદા વિધિથી પ્રાપ્ત થશે ભગવાનની કૃપા!

આજે વૈશાખ સુદ ચૌદસનો દિવસ છે અને આ દિવસ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર ભગવાન નૃસિંહનો પ્રાગટ્ય દિવસ મનાય છે. માન્યતા અનુસાર એ વૈશાખ સુદ ચૌદસનો જ દિવસ હતો કે જ્યારે શ્રીહરિ વિષ્ણુએ નૃસિંહ રૂપ ધારણ કર્યું હતું. ભગવાન નૃસિંહને આપણે નરસિંહના નામે પણ પૂજીએ છીએ. અર્ધ નર અને અર્ધ સિંહનું સ્વરૂપ ધારણ કરીને ભગવાને તેમના ભક્તની રક્ષા કરી હતી.

આજે સમગ્ર ભારતમાં ભગવાન નરસિંહના જન્મોત્સવની ઊજવણી થશે. ત્યારે આવો જાણીએ કે આજે પૂજા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત કયું છે. અને કેવી ઉપાસનાથી ભગવાન નૃસિંહની કૃપા પ્રાપ્ત થશે.

નરસિંહ જયંતી

આજે 4 મે 2023ના રોજ નરસિંહ જયંતી ઉજવવામાં આવશે. પુરાણો અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની ચૌદસની તિથિએ ધર્મની રક્ષાના હેતુથી ભગવાન વિષ્ણુએ નરસિંહના રૂપમાં અવતાર લીધો હતો અને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. નરસિંહ રૂપે વાસ્તવમાં ભગવાન વિષ્ણુએ અડધા પ્રાણી અને અડધા મનુષ્યનો અવતાર ધારણ કર્યો છે.

ભગવાન નરસિંહની પ્રાગટ્ય કથા

ભગવાન નરસિંહનું પ્રાગટ્ય તેમના પરમ ભક્ત પ્રહ્લાદની રક્ષાર્થે થયું હતું. પ્રચલિત કથા અનુસાર અસુર હિરણ્યકશિપુએ બ્રહ્માજીને પ્રસન્ન કરી દેવ, દાનવ, માનવ કે પશુ દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા તેમજ દિવસે કે રાત્રે અવધ્ય હોવાનું વરદાન મેળવ્યું હતું. અને આ જ વરદાન મેળવીને તેણે ત્રણેવલોક પર આધિપત્ય જમાવી દીધું. તેણે લોકોને સ્વયંની જ પૂજા કરવા કહ્યું. અને અન્ય દેવી-દેવતાઓના પૂજન પર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ, કાદવમાં કમળ ખીલે તેમ તેનો જ પુત્ર પ્રહ્લાદ શ્રીહરિનો પરમ ભક્ત નીકળ્યો. હિરણ્યકશિપુએ પુત્રને વારવાના અનેક પ્રયાસ કર્યા પણ તેને સફળતા ન મળી. આખરે, તેણે પુત્રને જ મારવાનો આદેશ આપી દીધો. પરંતુ, પ્રહ્લાદને મરાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા. આખરે, ક્રોધમાં હિરણ્યકશિપુ પોતે જ પુત્રને મારવા આગળ ધસ્યો. તે સમયે શ્રીવિષ્ણુએ એક સ્તંભમાંથી નૃસિંહ રૂપે પ્રાગટ્ય કર્યું. તે ગોધૂલી કાળનો સમય હતો. એટલે કે ન દિવસ હતો કે ન રાત હતી. નૃસિંહ ભગવાને નખથી હિરણ્યકશિપુનો વધ કરી બ્રહ્માજીના વરદાનનું માન જાળવ્યું અને ભક્ત પ્રહ્લાદની પણ રક્ષા કરી.

પ્રચલિત માન્યતા અનુસાર ભગવાન નૃસિંહે ગોધૂલીકાળમાં જ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. એટલે જ આ દિવસે આ ગોધૂલીકાળની પૂજા સૌથી ઉત્તમ મનાય છે.

નરસિંહ જયંતીના પારણાના દિવસે ચતુર્દશી એટલે કે ચૌદસની તિથિ સૂર્યોદયથી પહેલાં જ સમાપ્ત થઇ જાય છે. શાસ્ત્રોમાં વ્રતના પારણા સૂર્યોદય પછી જ કરવામાં આવે છે. એટલે 5 મેના રોજ સૂર્યોદય બાદ વ્રત ખોલી શકાશે.

નૃસિંહ જયંતીની પૂજા વિધિ

⦁ આજે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.

⦁ ઘરના મંદિર સમક્ષ બિરાજમાન થઈ ભગવાન નરસિંહ અને માતા લક્ષ્‍મીનું ધ્યાન ધરો.

⦁ ધ્યાન કર્યા બાદ આજે વ્રત કરવાનો સંકલ્પ લો.

⦁ આજે ભગવાન નૃસિંહના કોઈપણ મંત્રની 11 માળા જપવી જોઈએ. જો 11 માળાનો જાપ થઈ શકે તેમ ન હોય તો ઓછામાં ઓછો 108 વખત મંત્રજાપ જરૂરથી કરવો જોઈએ. તમે નીચે જણાવેલ મંત્રનો જાપ પણ કરી શકો છો.

ૐ ઉગ્રં વીરં મહાવિષ્ણું જ્વલન્તં સર્વતોમુખમ્ ।

નૃસિંહં ભીષણં ભદ્રં મૃત્યુ મૃત્યું નમામ્યહમ્ ।।

⦁ આજે લાલ રંગના વસ્ત્રમાં એક શ્રીફળને લપેટીને તે ભગવાનને અર્પિત કરવું જોઈએ.

⦁ ભગવાનને મીઠાઈ, ફળ, કેસર, પુષ્પ અને કુમકુમ અર્પણ કરવું.

⦁ નરસિંહ જયંતીના દિવસે નરસિંહ સ્તોત્રનો પાઠ જરૂરથી કરવો જોઈએ તે વિશેષ ફળદાયી મનાય છે.

⦁ અંતમાં પ્રભુની આરતી ઉતારીને પ્રસાદનું વિતરણ કરવું જોઈએ.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles