fbpx
Sunday, May 19, 2024

આ ચંદ્રગ્રહણ દૂર કરશે તમારી ખુશીઓ આડેનું ગ્રહણ! સરળ ઉપાયથી વેપારમાં પ્રગતિ થશે

આજે વૈશાખ સુદ પૂર્ણિમાનો દિવસ છે અને સાથે જ ચંદ્રગ્રહણ પણ છે. વર્ષ 2023નું આ પ્રથમ ચંદ્રગ્રહણ છે. આમ તો ગ્રહણને અશુભ માનવામાં આવે છે. પણ, વર્ષનું આ પ્રથમ ચંદ્રગ્રહણ એ છાયા ચંદ્રગ્રહણ છે. એટલે કે તેને પાળવાનું નથી. મહત્વની વાત તો એ છે કે આ ચંદ્રગ્રહણના સમયે અજમાવવાના કેટલાંક વિશેષ ઉપાયોનું જ્યોતિષ શાસ્ત્રમાં વર્ણન જોવા મળે છે.

કહે છે કે આ ઉપાયો અજમાવવાથી ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવો તો દૂર થાય જ છે. સાથે જ વ્યક્તિના જીવનમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે. એટલે કે, આ ચંદ્રગ્રહણ વાસ્તવમાં તો વ્યક્તિની ખુશીઓ આડેના ગ્રહણને હરવાનું સામર્થ્ય પણ ધરાવે છે ! આખરે, તે ઉપાયો કયા છે, તે વિશે આજે માહિતી મેળવીએ.

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ

વર્ષ 2023નું પ્રથમ ચંદ્રગ્રહણ આજે વૈશાખ સુદ પૂર્ણિમાએ છે. આજે બુદ્ધ પૂર્ણિમા છે અને સાથે જ ભદ્રાની છાયા પણ છે. આ ચંદ્રગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રના આરંભમાં થશે. તો, ગ્રહણના મધ્યકાળ અને મોક્ષકાળ વિશાખા નક્ષત્રમાં થશે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઇએ તો આ ભૌગોલિક ઘટનાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂર્ણિમાની રાત્રે જ્યારે રાહુ અને કેતુ ચંદ્રને ગળે છે ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણનું મહત્વ દર્શાવવાના કેટલાક ઉપાયો જણાવ્યા છે. આ ઉપાયો કરવાથી ગ્રહ નક્ષત્ર અનુકૂળ રહે છે અને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે.

કુંડળીના ચંદ્રને મજબૂત કરવા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બનાવવા માટે ચંદ્રગ્રહણના સમયે એક ખાસ ઉપાય અજમાવી શકાય છે. આ માટે ચંદ્રગ્રહણના સમયે તુલસી દળને મોંમાં રાખીને ચંદ્રના બીજ મંત્ર કે પછી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. ગ્રહણ સમયે આ મંત્રોનો જાપ કરવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ ઉપાયથી ચંદ્રગ્રહણની અશુભ અસર તો દૂર થાય જ છે. સાથે જ કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત બને છે.

દરિદ્રતાથી મુક્તિ અર્થે

આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે ચંદ્રગ્રહણ બાદ પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ કામળા અને ભોજનનું જરૂરિયાતમંદને દાન કરવું. સાથે જ ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરીને અખંડ જ્યોત રાખવી. કહે છે કે આ ઉપાય કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને ધન પ્રાપ્તિના યોગ સર્જાય છે. ચંદ્રગ્રહણના સમયે સફેદ રંગની વસ્તુઓ જેમ કે ચોખા, દૂધ, દહીં, સફેદ રંગના કપડા તેમજ મીઠાઈનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

વ્યવસાયમાં વૃદ્ધિ અર્થે

જો વ્યવસાય સારો ન ચાલી રહ્યો હોય કે તેમાં કોઇને કોઇ પ્રકારનો અવરોધ આવતો હોય તો ચંદ્રગ્રહણના દિવસે તમારે ખાસ ઉપાય અજમાવવો જોઈએ. તમારા વ્યવસાયના સ્થાન પર રહેલા પૂજાસ્થાને આ પ્રયોગ કરવો. માતા લક્ષ્‍મીની પાસે પૂર્ણ વિધિ સાથે ગોમતી ચક્ર સ્થાપિત કરો. ત્યારબાદ કોઈ લક્ષ્‍મી મંત્રની 16 માળા કરો. જો વિધિ વિધાન સાથે ગોમતી ચક્ર સ્થાપિત કરવું મુશ્કેલ હોય તો દૂધથી ગોમતી ચક્રને શુદ્ધ કરો અને તેની પર કુમકુમથી તિલક બનાવી લો. પછી પૂજા પાઠ બાદ પીળા રંગના વસ્ત્રમાં તે ગોમતી ચક્રને બાંધી લો. અને ત્યારબાદ ધંધા રોજગારના સ્થાન પર તેને સુરક્ષિત રીતે સંતાડીને મૂકી દો.

નોકરીમાં પ્રગતિના યોગ

જો તમે નોકરીની શોધમાં હોવ કે પછી ઓફિસમાં સહકર્મી કે અધિકારીઓના કારણે કોઇને કોઇ સમસ્યા સતાવી રહી હોય તો આ ઉપાય આપના માટે જ છે. ચંદ્રગ્રહણ બાદ ગળ્યા ભાત બનાવીને તેને કાગને ખવડાવી દો. માન્યતા એવી છે કે આ ઉપાય કરવાથી આપની પ્રગતિના યોગ સર્જાય છે અને સમસ્યાઓનું સમાધાન મળે છે. સાથે જ આ ઉપાય કરવાથી અશુભ ગ્રહ શનિ, રાહુ, કેતુના દોષ પણ ઓછા થઇ જાય છે.

આર્થિક સમસ્યાનું નિવારણ

જો તમને આર્થિક સમસ્યા સતાવી રહી હોય અને મહેનત કરવા છતા સફળતા પ્રાપ્ત ન થઇ રહી હોય તો ચંદ્રગ્રહણના દિવસે તમારે એક તાળું ખરીદવું જોઈએ. ગ્રહણના સમયે તે તાળાને અન્ય સામાન સાથે રાખી દો. ત્યારબાદ બીજા દિવસે સવારે તાળું લઇ લો અને તેને કોઇ મંદિરમાં જઈને દાનમાં આપી દો. પ્રચલિત માન્યતા અનુસાર આ ઉપાયથી વ્યક્તિની આર્થિક સમૃદ્ધિ આડે આવી રહેલા અવરોધ દૂર થાય છે અને તેના અટકી પડેલાં કાર્યો પણ આગળ ધપે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles