fbpx
Saturday, May 18, 2024

વટ સાવિત્રી વ્રતમાં આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો વ્રત કરશો તો પણ પુણ્યનું ફળ નહીં મળે!

હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ દરમિયાન કુલ 12 પૂનમની તિથિ આવતી હોય છે. પણ, તે સૌમાં જેઠ સુદ પૂર્ણિમાનું એક આગવું જ મહત્વ છે. ગુજરાતમાં આ દિવસે જ વટ સાવિત્રી વ્રત રાખવાની પરંપરા છે. જે અનુસાર આ વર્ષે 3 જૂન, 2023, શનિવારના રોજ વટ સાવિત્રી વ્રત ઉજવવામાં આવશે.

ત્યારે આવો, જાણીએ કે આ વ્રત દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે !

વટ સાવિત્રી વ્રતનો મહિમા

વટ સાવિત્રી વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે રાખતી હોય છે. તો આ વ્રતના શુભાશિષની સંતાન પ્રાપ્તિની માન્યતા પણ પ્રચલિત છે. 3 જૂન, 2023, શનિવારે સવારે 11:16 કલાકે પૂર્ણિમા તિથિનો પ્રારંભ થશે. જે 4 જૂન, 2023 સવારે 09:11 કલાકે સમાપ્ત થશે. પૂર્ણિમાનો ચંદ્ર 3 જૂનના રોજ દેખાશે. અને તે દૃષ્ટિએ 3 જૂનના રોજ વ્રત રાખવાનું રહેશે.

વટ સાવિત્રી વ્રતમાં શું રાખશો ખાસ ધ્યાન ?

⦁ વટ સાવિત્રી વ્રતના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. આ દિવસે સોળ શણગાર સજવાનું વિશેષ મહત્વ છે. એટલે, શણગાર માટે પહેલાથી જ વ્યવસ્થા કરી લેવી જોઇએ.

⦁ વટ સાવિત્રી વ્રત કરનારી સ્ત્રીઓ મોટાભાગે લાલ રંગના વસ્ત્ર ધારણ કરતી હોય છે. પીળો અને લીલો રંગ પણ શુભ મનાય છે. પરંતુ, ધારો કે તમે આ રંગના વસ્ત્ર નથી પહેરતા તો પણ, એટલું જરૂર ધ્યાન રાખવું જોઈએ કે આપે આ દિવસે કાળા, વાદળી કે સફેદ રંગના વસ્ત્ર ધારણ ન જ કરવા જોઈએ. સાથે જ આવા રંગનો ચાંદલો કે બંગડી પણ ધારણ ન કરવી.

⦁ વટ સાવિત્રીએ નવવધુની જેમ સોળ શણગાર સજીને સ્ત્રીઓએ સર્વ પ્રથમ તેમના સાસુ સસરાના આશીર્વાદ લેવા જોઈએ. ઘરમાં જે પણ વડીલ છે તેમના શુભાશિષની પ્રાપ્તિ કરવી જોઈએ.

⦁ વટ સાવિત્રી વ્રત સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે રાખતી હોય છે. ત્યારે એ જરૂરી છે કે વ્રતના દિવસે પોતાના જીવનસાથી સાથે કોઇપણ મુદ્દે વાદ-વિવાદ કે ઝઘડો ન કરવો જોઈએ. પતિ-પત્નીએ એકબીજા સાથે સારું વર્તન રાખવું જોઈએ.

⦁ વટ સાવિત્રી વ્રતના દિવસે કોઇપણ પ્રકારનું ખોટું કાર્ય ન કરવું જોઈએ. તથા કોઈની પણ સાથે છળકપટ ન કરવું. કારણ કે, આ વ્રત મન, વચન અને કર્મની શુદ્ધતા માટે કરવામાં આવે છે. મનમાં કોઇપણ પ્રકારનો નકારાત્મક વિચાર લાવવાથી વ્યક્તિને તે વ્રતનું શુભ ફળ પ્રાપ્ત નથી થતું.

⦁ વ્રત કરનારે બ્રહ્મચર્યનું પાલન જરૂરથી કરવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles