fbpx
Sunday, May 19, 2024

ગુરુવારે માથા પર હળદરનું તિલક કરવાથી દરેક કામમાં સફળતા મળશે!

સુખ અને દુઃખ મનુષ્યના જીવનનો એક ભાગ છે. વ્યક્તિ સુખ, સમૃદ્ધિ અને વૈભવ મેળવવા માટે દિવસભર સખત મહેનત કરે છે. પરંતુ, કેટલીકવાર સખત મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી.

સતત ધનની હાનિ થવાથી આર્થિક સંકટ ઉભું થાય છે. તો ઘણીવાર ઘરમાં વાત વાતમાં કંકાસ અને કલેશ સર્જાતો રહેતો હોય છે. તો, આજે અમે આપને એ જણાવીએ કે હળદરના કેટલાંક પ્રયોગ આપને કેવી રીતે આ સમસ્યામાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવશે.

નકારાત્મક ઊર્જાનું પ્રભુત્વ

જ્યારે પણ તમને લાગે કે તમે વારંવાર અસફળ થઈ રહ્યા છો અથવા તો સતત સમસ્યાઓ વધી રહી છે, ત્યારે તેનું કારણ તમારા ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા હોઈ શકે છે ! ઘરમાં નકારાત્મક ઊર્જા હોવાને કારણે જ વ્યક્તિને અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. જે અંતર્ગત ગુરુવારના દિવસે હળદરના ઉપાયો અજમાવીને તમે નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત કરી શકો છો.

ગુરુવાર અને હળદર સાથે જોડાયેલ ઉપાયો

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સપ્તાહના દરેક વારને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ગુરુવારનો દિવસ એ દેવગુરુ બૃહસ્પતિને એટલે કે ગુરુ ગ્રહને સમર્પિત કરવામાં આવ્યો છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિને એક શુભ દેવતા અને ગ્રહ માનવામાં આવે છે. જેના પ્રભાવથી વ્યક્તિને સુખ, સૌભાગ્ય, દીર્ઘાયુ, ધર્મ, લાભ વગેરે પ્રાપ્ત થાય છે. બૃહસ્પતિ એટલે કે, ગુરુ ગ્રહ શુભ ફળ પ્રદાન કરે છે. તે પીળા રંગનો કારક ગ્રહ છે. એવામાં તેમને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવાથી આપના જીવનના કષ્ટો દૂર થાય છે. હળદરમાં તે તમામ ઔષધિય ગુણો હોય છે, જેનું જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. કહે છે કે હળદરના પ્રયોગથી ગુરુ ગ્રહ સાથે જોડાયેલ તમામ દોષો દૂર થઇ શકે છે. આવાં જ કેટલાંક ઉપાયો નીચે અનુસાર છે.

  • નોકરી કે કારકિર્દી અર્થે

નોકરી કે કારકિર્દીમાં આવી રહેલ અવરોધો દૂર કરવા માટે ગુરુવારના દિવસે પાણીમાં ચપટી હળદર ઉમેરીને સ્નાન કરવું. સાથે જ “ૐ ભગવતે વાસુદેવાય નમઃ” મંત્રનો જાપ કરવો.

  • કાર્યમાં સિદ્ધિ અર્થે

જો આપ કોઇ ખાસ કાર્યમાં સફળ થવા માંગતા હોય તો ગુરુવારના દિવસે ઘરમાંથી નિકળતા સમયે મસ્તક પર હળદરનું તિલક અવશ્ય લગાવવું જોઇએ. કાર્ય પૂર્ણ થવાની સંભાવના વધી જાય છે.

  • સકારાત્મક ઊર્જા અર્થે

ઘરમાં રહેલ વાસ્તુદોષને દૂર કરવા માટે દર ગુરુવારે ઘરના દરેક ભાગમાં હળદરનો છંટકાવ કરવામાં આવે છે. કહે છે કે આવું કરતી વખતે ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ વધી શકે છે.

  • બૃહસ્પતિદેવની (ગુરુ ગ્રહની) કૃપા અર્થે

ધાર્મિક માન્યતા અનુસાર બૃહસ્પતિ દેવને પીળો રંગ ખૂબ પ્રિય છે. આ જ કારણથી તેમની પૂજા કરવામાં હળદરનો પ્રયોગ વિશેષ રીતે કરવામાં આવે છે. બૃહસ્પતિની શુભતાને પ્રાપ્ત કરવા માટે કેળના વૃક્ષના મૂળ કે હળદરની ગાંઠને પીળા રંગના વસ્ત્રમાં લપેટીને ગળામાં કે હાથની બાજુમાં ધારણ કરવામાં આવે છે.

  • દાન અર્થે

દેવગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે દાળ, હળદર, પીળા વસ્ત્ર, બેસનના લાડુ વગેરેનું યોગ્ય બ્રાહ્મણને દાન કરવું જોઈએ અને કેળના વૃક્ષમાં જળ અર્પણ કરવું.

  • ભગવાન વિષ્ણુની આરાધના

માત્ર ગુરુવારના દિવસે જ નહીં, પરંતુ, નિત્ય ભગવાન શ્રીવિષ્ણુની આરાધના પછી હળદર અને ચંદનનું તિલક કરવું જોઈએ. કોઇપણ શુભ કાર્ય કરતી વખતે, ઘરેથી નીકળતી વખતે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. જેનાથી આપને સફળતાની પ્રાપ્તિ થશે.

  • પ્રસાદ

દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે નિત્ય “ૐ ભગવતે વાસુદેવાય નમઃ” મંત્રની એક માળા જાપ કરવી. સાથે જ ભગવાન વિષ્ણુને શક્ય હોય તો પીળા રંગના ફળનો ભોગ પ્રસાદમાં અર્પણ કરવો જોઇએ.

  • આર્થિક સંકટથી મુક્તિ અર્થે

તમામ પ્રકારના આર્થિક સંકટો દૂર કરવા માટે, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરુવારના દિવસે વિશેષ રીતે વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો. ભક્તિ ભાવ સાથે આ ઉપાય કરવાથી આપને અવશ્ય કાર્યમાં સફળતા મળશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles