fbpx
Tuesday, May 7, 2024

મોદક કેવી રીતે બનાવાય તે નથી જાણતા? ચિંતા કરશો નહીં, અહીં તમારા માટે ખૂબ જ સરળ રેસીપી છે

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લોકો પોતાના ઘરે ગણપતિ બાપ્પાને સ્થાપવાની તૈયારીમાં લાગી ગયા છે. ગણપતી બાપ્પાને મોદક સૌથી પ્રિય છે. જેથી બાપ્પાને તેનો પ્રસાદ અર્પણ કરવો ખૂબ આવશ્યક છે. તેથી આજે અમે આપના માટે ઘરે બેઠા સરસ અને સ્વાદિસ્ટ મોદક બનાવવાની સરળ અને પરંપરાગત રીત લઈને આવ્યા છે.

સંસ્કૃત ભાષામાં મોદનો અર્થ આનંદ થાય છે. તેથી મોદક એટલે આનંદ આપનાર. ભગવાનના પ્રિય પ્રસાદ એવા મોદકમાં પણ વિવિધતાં જોવા મળી રહી છે. ગણેશજીને નવો જ પ્રસાદ ધરાવવાના ભક્તોના ક્રેઝના કારણે બાપાના પ્રિય મોદકના રંગરુપ બદલાયા છે. મીઠાઈની દુકાનોમાં એક બે નહીં પરંતુ જુદી જૂદી અનેક ફ્લેવરનાં મોદક જોવા મળી રહયા છે. પરંતુ આજે આપણે પરંપરાગત ચોખાના લોટના મોદક બનાવતા શીખીશું.

ચોખાના લોટના મોદક માટેની સામગ્રી : એક લીલું નાળિયેર, દોઢ વાટકી સાકર અથવા ગોળ, બે ચમચી ખસખસ, સાત-આઠ એલચી, ચાર-પાંચ પેંડા કે માવો, બે વાટકી ચોખાનો લોટ, બે ચમચા ઘી, થોડુંક મીઠું.

રીત : લીલા નાળિયેરનું છીણ કરી તેમાં ગોળ અથવા સાકર મિક્સ કરીને ગેસ પર ધીમા તાપે ગરમ કરો. તેમાં ખસખસ, એલચીના દાણા, સૂકી દ્રાક્ષ, માવો અથવા પેંડાનો ભૂકો નાખી હલાવો. ધીમા તાપે સતત હલાવતાં રહો, નહીં તો મિશ્રણ વાસણમાં ચોંટી જશે. મિશ્રણને બરાબર ઘટ્ટ બનાવવું. ઢીલું રહેશે તો મોદક બનાવ્યા પછી મોદક બહારથી ચીકણા થઈ જશે. આ મિશ્રણ એકાદ-બે દિવસ અગાઉ પણ બનાવીને ફ્રિજમાં રાખી શકાય છે.

એક વાસણમાં બે વાટકી પાણી લઈને ગરમ કરો. પાણી ઉકળે એટલે તેમાં એક ચપટી મીઠું, ઘી અથવા તેલ નાખો. હવે તેમાં ધીરે ધીરે ચોખાનો લોટ નાખતા જાવ. પછી ઢાંકણ ઢાંકી થોડી વાર સીઝવા દો. તાપ એકદમ ધીમો રાખવો. થોડી વાર પછી બધું પાણી લોટમાં ચુસાઈ જાય ત્યારે આંચ પરથી તપેલું ઉતારી લઈ એક થાળીમાં લોટ કાઢી લઈ હાથ પર ઘી લગાવી ગરમ ગરમ લોટ જ ગૂંદી લેવો. હવે લોટના ગોળા બનાવવા.

તેના વચ્ચે ખાડો પહેલાથી તૈયાર કરેલું પૂરણ ભરી મોદકના આકારમાં ગોળા બંધ કરતા જાવ. આપણે જે રીતે લીલવાની કચોરી બનાવીએ છીએ. તે રીતે મોદકને પણ આકાર આપવો જોઇએ.

આમ બધા ગોળામાં પૂરણ ભરાઈ જાય પછી એક તપેલીમાં પાણી ગરમ મૂકવું. ત્યાર બાદ એના પર એક ચારણીમાં પાતળું કપડું પાથરી એના પર તૈયાર કરેલા બધા ગોળા મૂકી 15 મિનિટ સુધી બાફી લેવા. તે બાદ ઠંડા પડે એટલે આપણો પ્રસાદ તૈયાર છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles