fbpx
Saturday, April 27, 2024

અંબાણી પરિવારે લંડનમાં ૩૦૦ એકરમાં ફેલાયેલું ઘર ખરીદ્યું

મુકેશ અંબાણીનો પરિવાર ઇંગ્લૅન્ડમાં બકિંગહૅમશાયરના સ્ટોક પાર્કમાંના નવા ઘરમાં દિવાળી ઊજવી રહ્યો છે : ભવિષ્યમાં તેઓ થોડો સમય મુંબઈમાં અને બાકીનો સમય લંડનના સેકન્ડ હોમમાં વિતાવે એવી પૂરેપૂરી શક્યતા છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ભવિષ્યમાં તેમનો સમય લંડન અને મુંબઈ વચ્ચે વહેંચી શકે છે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે અંબાણી પરિવારે આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લૅન્ડમાં બકિંગહૅમશાયરના સ્ટોક પાર્કમાં ૫૯૨ કરોડ રૂપિયામાં ૩૦૦ એકરની જમીનમાં કન્ટ્રી ક્લબ ખરીદ્યું છે, જે ભવિષ્યમાં અંબાણી પરિવારનું મુખ્ય રહેઠાણ બનશે. ભવિષ્યમાં અંબાણી પરિવાર અડધો સમય લંડનના આ ૪૯ બેડરૂમના વૈભવી ઘરમાં અને બાકી અડધો સમય મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પરની ગગનચુંબી ઇમારત ઍન્ટિલિયામાં વિતાવશે.

સૂત્રો કહે છે કે લંડનની પ્રૉપર્ટીમાં અત્યાધુનિક મેડિકલ સુવિધા પણ ઊભી કરી દેવામાં આવી છે. ૪,૦૦,૦૦૦ ચોરસફુટના ઍન્ટિલિયામાં કોરોનાકાળ દરમ્યાન થયેલા અનુભવ બાદ અંબાણી પરિવારને બીજા ઘરની જરૂર જણાઈ હતી. લૉકડાઉન દરમિયાન પરિવારે જામનગરમાં પણ ઘણો સમય વિતાવ્યો હતો, જ્યાં તેમના ગ્રુપની રિફાઇનરી છે. આ રિફાઇનરી દુનિયાની સૌથી મોટી રિફાઇનરી પણ છે.

સૂત્રો જણાવે છે કે તેમને ચોતરફ ખુલ્લી જગ્યા હોય એવી પ્રૉપર્ટીની શોધ હતી. મુંબઈમાં છે એવી ઊંચી ઇમારતની નહીં. ગયા વરસથી જ નવા ઘરની શોધ શરૂ થઈ ગઈ હતી. સ્ટોક પાર્કનો સોદો પાર પડતાં જ ત્યાં પરિવારની જરૂર પ્રમાણે સજાવવાનું કામ ઑગસ્ટ મહિનાથી શરૂ થઈ ગયું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ આ બાબતે કોઈ પણ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે ‘અંબાણી પરિવાર અત્યારે તેમના નવા ઘરે પહેલી દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. ત્યાર બાદ તેઓ મુંબઈમાં પરત ફરશે. પછી ફરી આગામી એપ્રિલમાં તેઓ યુ.કે.ના મૅન્શનમાં જશે.’

અલબત્ત, અંબાણી પરિવારે નવા ઘરમાં આબેહૂબ એવું જ મંદિર બનાવડાવ્યું છે જેવું તેમના મુંબઈના ઘરમાં અને અનેક ઑફિસોમાં છે. ઉપરાંત ગણપતિ, રાધા-કૃષ્ણ અને હનુમાનની આરસપહાણની મૂર્તિઓ ખાસ રાજસ્થાનના મૂર્તિકારો પાસે તૈયાર કરાવવામાં આવી છે.

મુંબઈના ઘરમાં અંબાણી પરિવાર છેલ્લા અઢી મહિનાથી ગેરહાજર હોવાથી અનેક શંકા-કુશંકા સેવાઈ રહી હતી. જોકે પરિવારના નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું કે બધું બરાબર છે. અત્યારે અંબાણી પરિવાર તેમના નવા ઘરને ગોઠવવા-સજાવવામાં વ્યસ્ત હતો.

ગયા એપ્રિલમાં અંબાણી પરિવારે જ્યારે લંડન પાસે પ્રૉપર્ટી ખરીદી ત્યારે બ્રિટનનાં અખબારોએ છાપેલા અહેવાલો મુજબ ૧૯૦૮ સુધી આ મિલકત ખાનગી હતી. ત્યાર પછી એને કન્ટ્રી ક્લબમાં બદલવામાં આવી. આ પ્રૉપર્ટીમાં એક વૈભવી હોટેલ અને ગોલ્ફ કોર્સ પણ છે. ફાઇનૅન્શિયલ ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આ પ્રૉપર્ટીમાં જેમ્સ બૉન્ડની બે ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે.

વિશ્વના કોઈ પણ અજબપતિ માણસને જે જોઈએ એ બધું જ આ પ્રૉપર્ટીમાં હોવા છતાં અહીં મેડિકલ સુવિધાનો અભાવ હતો. રિલાયન્સ ગ્રુપની જ સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના સીઈઓના વડપણમાં હૉસ્પિટલની ટીમને ગયા ઑગસ્ટ મહિનાના અંતમાં અહીં મોકલવામાં આવી હતી. આ ટીમ દ્વારા તાજેતરમાં આ પ્રૉપર્ટીમાં એક અત્યાધુનિક મેડિકલ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે, જેમાં બ્રિટનના એક ડૉક્ટરને મુખ્ય ડૉક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મિની હૉસ્પિટલ

આ ટીમનો હિસ્સો રહેલા એક ડૉક્ટરનું કહેવું છે કે ‘ભારતમાં લોકો ખાનગી હૉસ્પિટલોને વધારે પસંદ કરે છે, પણ યુનાઇટેડ કિંગડમમાં એવું નથી. અહીંનું આરોગ્ય તંત્ર મોટા ભાગે સરકારી છે, જે નૅશનલ હેલ્થકૅર સર્વિસિસ અંતર્ગત કામ કરે છે.’

આ સેન્ટરમાં મેડિકલ ટીમની નિયુક્તિ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનારી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘સેન્ટરની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ સિસ્ટમ અને સ્વાસ્થ્ય સંબંધી બીજી બાબતોનું ધ્યાન રાખવા માટે એક બ્રિટિશ ડૉક્ટરને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ડૉક્ટર ઍનેસ્થેટિસ્ટ છે. તેમને પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કૅર અને મુખ્ય ટ્રોમાના કેસોનો બહોળો અનુભવ છે. તેઓ લાંબા સમયથી યુકેમાં કામ કરતા હોવાથી સ્થાનિક મેડિકલ પ્રોટોકોલ્સ અને નિયમોને જાળવવામાં પણ મદદરૂપ બનશે. એક ચીફ ફિઝયોથેરપિસ્ટને પણ રાખવામાં આવ્યા છે.’

સૂત્રોએ જણાવ્યું હતું કે અંબાણી પરિવાર યુકેમાં પણ એક હૉસ્પિટલ શરૂ કરવાના પ્રયાસમાં છે. જ્યારથી તેમણે અહીં મૅન્શન ખરીદ્યું છે ત્યારથી ગ્રુપની એક ટીમ અહીં હૉસ્પિટલ ખરીદવા માટેના વિકલ્પો તપાસી રહી છે. આ ટીમે અત્યાર સુધી બે ખાનગી હૉસ્પિટલો પસંદ કરી છે, જેમાંથી એક હજી બની રહી છે.

300 આટલા એકરમાં લંડનમાંનું અંબાણી પરિવારનું નવું ઘર ફેલાયેલું હશે

592 આટલા કરોડ રૂપિયામાં અંબાણી પરિવારે કન્ટ્રી ક્લબની જમીન ખરીદી છે

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles