fbpx
Saturday, April 27, 2024

અહીંથી શરૂ થઈ હતી શિવલિંગની પૂજા! જાણો મહાદેવના હાટકેશ્વર સ્વરૂપનો મહિમા

મહેસાણાનું વડનગર એ ગુજરાતના ભવ્ય ઐતિહાસિક તેમજ અદ્વિતીય સ્થાપત્ય વારસાનું સાક્ષી બન્યું છે. પ્રાચીનકાળમાં આ નગર આનંદપુર તરીકે ઓળખાતું. જ્યારે પૌરાણિક કાળમાં તે આનર્ત પ્રદેશ તરીકે પ્રસિદ્ધ હતું, કે જ્યાં શિવલિંગનું સર્વ પ્રથમ પ્રાગટ્ય થયું હોવાની માન્યતા પ્રચલિત છે. કહે છે કે અહીંનું હાટકેશ્વર ધામ જ એ સ્થાન છે કે જ્યાં શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો હતો.

અને એટલે જ તો શ્રદ્ધાળુઓને મન 12 જ્યોતિર્લિંગના દર્શન જેવો જ અહીં દર્શનનો મહિમા છે.

સ્કંદ મહાપુરાણના નાગરખંડના તીર્થમાહાત્મ્યમાં દેવાધિદેવના હાટકેશ્વર સ્વરૂપના પ્રાગટ્ય સંબંધી કથાનું વર્ણન મળે છે. જે અનુસાર દક્ષયજ્ઞમાં દેવી સતીના દેહત્યાગ બાદ મહેશ્વર અત્યંત દુઃખી થઈ તાંડવ કરવા લાગ્યા. સૃષ્ટિને પ્રલયથી બચાવવા શ્રીવિષ્ણુએ સતી દેહના 51 ટુકડા કરી દીધાં. પરંતુ, આ ઘટના બાદ તો મહેશ્વર વધુ વ્યથિત થઈ ગયા. તેમને દેહનું કે વસ્ત્રનું પણ ભાન ન રહ્યું. શરીર પરથી વસ્ત્ર સરી ગયા અને મહેશ્વર ‘દિગંબર’ બની ભટકવા લાગ્યા. ક્રોધાવેશમાં ઋષિઓએ વસ્ત્રવિહિન ફરતા તે દિગંબરને તેનું લીંગ ખરી જવાનો શ્રાપ આપી દીધો. શિવજીનું લીંગ દેહથી છૂટું પડી સાત પાતાળમાંથી એક એવાં વિતલમાં પહોંચ્યું. મહેશ્વર ભાનમાં આવ્યા અને અજ્ઞાતવાસમાં જતા રહ્યા. તો ઋષિઓને તે દિગંબર ખુદ મહેશ્વર જ હોવાનો ખ્યાલ આવતા તેઓ પણ લજ્જીત થયા.

ઉલ્લેખનીય છે કે વિતલ પાતાળમાં હાટકી નામની સુવર્ણની નદી વહેતી હોવાની માન્યતા છે. કહે છે કે તેને લીધે શિવલિંગ પર સુવર્ણનો ઢોળ ચઢી ગયો. તો, બીજી તરફ મહેશ્વરની ગેરહાજરીમાં સૃષ્ટિ પર ઉત્પાત મચી ગયો. આખરે, ઋષિમુનિઓ અને બધાં દેવતાઓ ભેગા થઈ આનર્ત પ્રદેશમાં આવ્યા. અને સૌએ મહાદેવને પૂર્વવત્ રૂપ ધારણ કરવા પ્રાર્થના કરી. ત્યારે શિવજીએ કહ્યું કે “જો બ્રાહ્મણો શિવલિંગની વિધિવત પૂજા કરશે તો જ તેઓ તેને ધારણ કરી શકશે.”

બ્રાહ્મણો અને સમસ્ત દેવતાઓએ આસ્થા સાથે શિવલિંગની પૂજા કરી. અને મહેશ્વરે તેમનું પૂર્વવત્ રૂપ ધારણ કર્યું. કહે છે કે ત્યારબાદ સૌ ભેગા મળી પાતાળમાં ગયા. જ્યાં સ્વયં બ્રહ્માજીના હસ્તે સુવર્ણમયી શિવલિંગની સ્થાપના કરવામાં આવી. અને શિવલિંગ પૂજાની શરૂઆત થઈ. સુવર્ણને હાટક પણ કહે છે. જેને લીધે મહાદેવ હાટકેશ્વરના નામે પ્રસિદ્ધ થયા.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles