fbpx
Tuesday, May 7, 2024

કડવા ચોથ પર મેળવો સુખ-શાંતિના આશીર્વાદ, સરળ ઉપાયથી થશે સમસ્યા દૂર!

હિંદુ ધર્મમાં એવાં ઘણાં તહેવારો છે કે જે પરિવારના મૂલ્યોને મજબૂત બનાવે છે. કડવા ચોથ પણ એક આવો જ તહેવાર છે, કે જે પતિ-પત્નીના સંબંધોને મજબૂત બનાવે છે. ગુજરાતી પંચાંગ અનુસાર આસો માસના વદ પક્ષની ચતુર્થી તિથિને કડવા ચોથ કે કરવા ચોથના નામે ઉજવવામાં આવે છે અને આજે એ જ શુભ અવસર છે.

સૌભાગ્યવતી સ્ત્રીઓ આજના દિવસે તેમના પતિના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય માટે વ્રત કરે છે અને તેમના લગ્નજીવનને વધુ સુખમય બનાવવાની પ્રાર્થના કરે છે. પણ, શું તમે જાણો છો, આ વ્રત પરિવારમાં સુખ-શાંતિને સ્થિર કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે ! એટલું જ નહીં, પતિ-પત્ની વચ્ચે વધી ગયેલા અંતરને દૂર કરવામાં પણ સહાયરૂપ થઈ શકે છે. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.

મા દુર્ગાની ઉપાસનાથી સુખ-શાંતિ !

દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે તેના ઘરમાં સુખ-શાંતિની સ્થાપના થાય. તો તેના માટે આજનો કડવા ચોથનો દિવસ મંગળકારી સાબિત થઈ શકે છે. આજે દેવી દુર્ગાની પૂજાનો સંકલ્પ લઈ તેમને લાલ-પીળા રંગનું મોટું વસ્ત્ર અર્પણ કરો. ત્યારબાદ “ૐ ઉમામહેશ્વરાભ્યામ નમ:” મંત્રનો 108 વખત જાપ કરવો. મંત્રોચ્ચાર સાથે દેવીમાતાને અર્પણ કરેલ વસ્ત્રમાં એક ગાંઠ મારો. હવે કડવા ચોથના બીજા દિવસે આ વસ્ત્રને ઘરમાં કોઈ જુએ નહીં તેવી જગ્યાએ પર રાખી દો. આ ઉપાય કરવાથી આપના પરિવારમાં ખુશહાલી અકબંધ રહેશે.

સોનેરી અક્ષર જીવનમાં પૂરશે પ્રેમરંગ !

જો આપના પતિ કોઇ બીજા પાત્ર તરફ આકર્ષાઇ રહ્યા હોય તો કડવા ચોથનો દિવસ આપને આ સમસ્યાથી મુક્તિ અપાવી શકે છે ! એટલું જ નહીં, પતિ-પત્ની વચ્ચે પડેલા અંતરને પણ દૂર કરી દેશે. કડવા ચોથના દિવસે એક લાલ કાગળ પર પોતાનું અને પોતાના જીવનસાથીનું નામ સોનેરી રંગની પેનથી લખો. એક લાલ રંગનું રેશમી વસ્ત્ર લઇ તેમાં 2 ગોમતીચક્ર, 50 ગ્રામ પીળી રાઇ અને સાથે જ સોનેરી રંગની પેનથી લખેલ કાગળને વાળીને મૂકો. તે રેશમી વસ્ત્રની પોટલી બનાવી દો. આ પોટલીને તિજોરીમાં છુપાવીને મૂકી દો. પોટલી એવી રીતે રાખવી કે વર્ષ દરમ્યાન કોઇની નજર તેના પર ન પડે. પોતે પણ વારંવાર તે પોટલીને નીકાળીને ન જોવું. પછીના વર્ષે આવનાર કડવા ચોથે તે પોટલીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવી. માન્યતા છે કે આ ઉપાયથી પતિ-પત્ની એકબીજા તરફ ન માત્ર આકર્ષાશે, પણ તેમના વચ્ચે રહેલ પ્રેમ સંબંધ વધુ મજબૂત બનશે.

સિંદૂરથી સૌભાગ્યના આશીર્વાદ

સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની કામના સાથે જ કડવા ચોથનું વ્રત કરતી હોય છે. આ માટે આજના દિવસે નાગરવેલના પાનમાં સિંદૂર રાખીને ગણેશજીને અર્પણ કરવું. તે સમયે “શ્રીં ગં સૌભાગ્ય ગણપતયે વર્વર્દ સર્વજન્મ મેં વષમાન્ય નમઃ ।।” મંત્રનો જાપ કરવો. હવે આ સિંદૂરને સુરક્ષિત જગ્યા પર રાખી દો. નિત્ય સ્નાન બાદ આ સિંદૂર સ્ત્રીએ પોતાની માંગમાં ભરવું જોઈએ. તેનાથી તેને અખંડ સૌભાગ્યના આશિષની પ્રાપ્તિ થશે.

પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારશે ગોળ !

જો પતિ-પત્ની તેમના પ્રેમને વધુ મજબૂત કરવા ઈચ્છતા હોય તો તેમણે કડવા ચોથના દિવસે ગણેશજીને ગોળ અર્પણ કરવો જોઇએ. પતિ-પત્ની બંન્નેવે એકસાથે આ કાર્ય કરવું જોઈએ. જો બંન્ને ન કરી શકે તો સ્ત્રીઓએ ખાસ ગણેશજીને ગોળ અર્પણ કરવો. તેનાથી તેમનું દાંપત્યજીવન પ્રેમથી ભરાઈ જશે. બંન્ને વચ્ચે પ્રેમ વધશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles