fbpx
Friday, April 26, 2024

ભગવાન વિશ્વકર્માની પૂજા કરવી ખૂબ જ જરૂરી છે, વિશ્વકર્મા જયંતિ પર અવશ્ય કરવું જોઈએ આ કામ!

મહા સુદ તેરસની તિથિને વિશ્વકર્મા જયંતીના રૂપે ઉજવવામાં આવે છે. આ વખતે, 3 ફેબ્રુઆરી, શુક્રવારના દિવસે આ શુભ સંયોગ છે. જે લોકો ભગવાન વિશ્વકર્માને તેમના આરાધ્ય કે કુળદેવતા રૂપે પૂજે છે, તે લોકો આ દિવસે વિશ્વકર્મા દેવની વિશેષ પૂજા અર્ચના કરે છે. તો, ખાસ કળા કૌશલ્ય ધરાવનાર વ્યક્તિ અને મશીન સાથે જોડાયેલ લોકો આ દિવસે તેમના સાધનો અને મશીનોની પૂજા કરે છે.

કારખાના, ફેક્ટરી અને ઔદ્યોગિક સંસ્થાઓમાં આજના દિવસે પૂજા અને હવન પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી વેપાર-ધંધામાં વૃદ્ધિ થાય છે. પણ, કળિયુગમાં તો એ જરૂરી છે કે દરેક વ્યક્તિ ભગવાન વિશ્વકર્માની પૂજા કરે ! પરંતુ, શા માટે ? આવો, આપણે તેના મહત્વને સમજીએ.

દુનિયાના પ્રથમ વાસ્તુકાર ભગવાન વિશ્વકર્મા

ભગવાન વિશ્વકર્માને દુનિયાના સર્વ પ્રથમ વાસ્તુકાર કે એન્જિનિયર માનવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માએ જ સ્વર્ગલોક, દ્વારિકા, હસ્તિનાપુર, લંકા તેમજ જગન્નાથપુરીનું નિર્માણ કરાવ્યું હતુ. તેમણે જ શિવજીના ત્રિશૂળ, શ્રીવિષ્ણુના સુદર્શન ચક્રને તૈયાર કર્યું હતું. એટલે જ તેમને એન્જિનિયર અને મશીન સાથે જોડાયેલ દેવતાના રૂપે પૂજવમાં આવે છે.

ભગવાન વિશ્વકર્માની પૂજાનું મહત્વ

શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્માની પૂજાનું ખૂબ મહત્વ છે. એવી માન્યતા છે કે જે ઘરો, કારખાનાઓ અને ઔદ્યોગિક સંસ્થાઓમાં ભગવાન વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્‍મીનો કાયમી નિવાસ રહે છે. તેમજ આવી સંસ્થાઓ સદૈવ નફો કરતી રહે છે. ટેકનિકલ ક્ષેત્રે જોડાયેલ લોકો પણ ભગવાન વિશ્વકર્માની જયંતીના દિવસે પોતાની મશીનરી, સાધનોની પૂજા કરે છે. માન્યતા એવી છે કે આ દિવસે આવી પૂજા કરવાથી સાધનોના ઉપયોગમાં ક્યારેય કોઈ વિઘ્ન નથી નડતા.

દરેક માટે વિશ્વકર્માની પૂજા કેમ જરૂરી ?

કળિયુગમાં ભગવાન વિશ્વકર્માની પૂજા એટલે જરૂરી માનવામાં આવે છે કે આજના યુગમાં દરેક વ્યક્તિ ટેકનોલોજી સાથે જોડાયેલ છે. મોબાઇલ, ટેબલેટ, લેપટોપ વિના કોઇ કામ શક્ય નથી. વિદ્યાર્થી હોય કે ઘરમાં રહેતા વડીલ અને સ્ત્રીઓ હોય, દરેકના જીવનમાં ટેક્નોલોજીનું ખાસ મહત્વ છે. એટલે જ, આજના સમયમાં દરેક લોકો ભગવાન વિશ્વકર્માની પૂજા કરે તે ખૂબ જરૂરી છે. વિશેષ કંઈ ન થઈ શકે તો વિશ્વકર્મા જયંતીએ પ્રભુનું સ્મરણ કરવું અને આસ્થા સાથે તેમના નામની જય બોલાવવી.

પૂજા વિધિ

વિશ્વકર્મા જયંતીએ સવિશેષ તો કારખાનાઓ, ઓફિસ કે ઉદ્યોગોમાં પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ માટે સર્વ પ્રથમ પૂજા માટે એક બાજોઠ લો. તેના પર ચોખાના લોટથી અષ્ટદળ રંગોળી બનાવો અને તેની ઉપર 7 પ્રકારના અનાજ મૂકો. ત્યારબાદ તેની ઉપર વિશ્વકર્માની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરો. પ્રભુને નમસ્કાર કરી આસ્થા સાથે તેમની પૂજા કરો. અંતમાં આરતી કરી મીઠાઈ અર્પણ કરો. આ પૂજન બાદ કાર્યના સ્થળ પર રહેલા મશીનો, સાધનોને તિલક કરી તેને અક્ષત લગાવો અને પુષ્પ અર્પણ કરો. સાધનો નિર્વિઘ્ને ચાલતા રહે અને ધંધો-રોજગાર વધુ પ્રગતિ કરે તે માટે પ્રભુ વિશ્વકર્માને પ્રાર્થના કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles