fbpx
Wednesday, May 1, 2024

શા માટે કામધેનુ ગાયે સ્વયંભૂ શ્રી કૃષ્ણને દૂધનો અભિષેક કર્યો? જાણો ગોપાષ્ટમીના તહેવારનું મહત્વ

ભગવાન શ્રીકૃષ્ણના દરેક મંદિરમાં ગોપાષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. વૃંદાવન, મથુરા તેમજ નાથદ્વારામાં તો કેટલાય દિવસો પહેલાથી આ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. અને કેમ નહીં, આખરે, આ પર્વ સાથે બાળકૃષ્ણની અદભુત લીલાઓ જોડાયેલી છે. અને અમારે આજે શ્રીકૃષ્ણની આ જ લીલાઓ વિશે વાત કરવી છે.

કારતક સુદ અષ્ટમીની તિથિ એ ગોપાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. જેમાં વાછરડા સાથેની ગાયના પૂજનનો સવિશેષ મહિમા છે. આ ઉત્સવના પ્રાગટ્ય સાથે અનેકવિધ દંતકથાઓ તેમજ પ્રભુની લીલાઓ સંકળાયેલી છે. ત્યારે આવો, તેના વિશે વિગતે જાણીએ.

કામધેનુ દ્વારા શ્રીકૃષ્ણનો અભિષેક !

ગોપાષ્ટમી પર્વના પ્રારંભ સાથે કામધેનુની તેમજ શ્રીકૃષ્ણના ગોવર્ધનધારણની કથા જોડાયેલી છે. દેવરાજ ઈન્દ્રના મદનું દમન કરવા શ્રીકૃષ્ણએ વ્રજમાં ગોવર્ધન પૂજાનું આયોજન કરાવ્યું. તેનાથી ક્રોધે ભરાઈ ઈન્દ્રએ ભયંકર વરસાદ વરસાવ્યો. આખરે, વ્રજવાસીઓની રક્ષાર્થે શ્રીકૃષ્ણએ તેમની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ધારણ કરી દીધો. સતત સાત દિવસ સુધી કૃષ્ણ ગોવર્ધનને ધારણ કરી ઉભા રહ્યા. આખરે, દેવરાજ ઈન્દ્રએ તેમની હાર સ્વીકારી શ્રીકૃષ્ણની ક્ષમા માંગી વરસાદ રોકી લીધો. અને શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને નીચે મૂકી દીધો. કહે છે કે તે દિવસ કારતક સુદ આઠમનો જ હતો. આ ઘટના બાદ કામધેનુ ગાયે સ્વયંભૂ જ શ્રીકૃષ્ણ પર દૂધનો અભિષેક કર્યો. જેને લીધે ગોપાષ્ટમી પર્વની ઉજવણીનો પ્રારંભ થયો.

રાધાજી બન્યા ‘ગોપાલ’ !

ગોપાષ્ટમી સાથે રાધાજીના ગોપાલ બનવાની કથા પણ જોડાયેલી છે. એક કથા અનુસાર રાધાજી પણ ઈચ્છતા હતા કે તે ગાયોને ચરાવવા જાય. પરંતુ, છોકરી હોવાના કારણે તેમને આ કાર્ય માટે રજા નહોતી મળી. કહે છે કે ત્યારે રાધાએ પોતે ગોવાળો જેવા કપડા પહેર્યા અને વનમાં કૃષ્ણ સાથે ગાય ચરાવવા જતા રહ્યા. તે દિવસ ગોપાષ્ટમીનો જ હોવાનું મનાય છે.

શ્રીકૃષ્ણની ગૌ-ચારણ લીલા !

ગોપાષ્ટમીના પ્રારંભ સાથે મૂળે તો ભગવાન શ્રીકૃષ્ણના ગોપાલ કે ગોપાળ બનવાની કથા જ જોડાયેલી છે. કહે છે કે જ્યારે કૃષ્ણ ભગવાને તેમના જીવનના છઠ્ઠા વર્ષમાં પગ મૂક્યો, ત્યારે તે તેમની માતા યશોદા પાસે જીદ કરવા લાગ્યા કે, “હવે હું મોટા થઇ ગયો છું. હવેથી હું વાછરડાને બદલે ગાયને ચરાવા લઈ જઇશ.” કહે છે કે બાળકૃષ્ણની હઠ સામે માતા યશોદાએ હાર માની લીધી. પણ, તેમણે કહ્યું, કે “મને નહીં, તું તારા નંદબાબાને જઈને પૂછી આવ. જો એ આજ્ઞા આપે તો તું હરખથી ગાયો ચરાવા જજે.”

શ્રીકૃષ્ણ તો તરત નંદબાબા પાસે પહોંચી ગયા. અને હઠાગ્રહ કરવા લાગ્યા. કે હવે તો તે જ ગાયો ચરાવવા જશે. આખરે, નંદબાબાએ ગાય ચરાવવા જવા માટે પંડિતજી પાસે મુહૂર્ત જોવડાવ્યું. પંડિતજીએ પંચાંગ જોયું અને કહ્યું કે માત્ર એક મુહૂર્ત સિવાય પંચાગમાં આવતા વર્ષ સુધી આ માટે કોઈ જ મુહૂર્ત નથી બતાવતું. કાન કુંવરની ઈચ્છા આગળ કોઈ કંઈ ન કરી શક્યું. મુહૂર્તનો એ દિવસ એટલે કારતક સુદ અષ્ટમીનો અવસર. કે જેને આપણે સૌ આજે ગોપાષ્ટમી તરીકે ઓળખીએ છીએ.
દંતકથા અનુસાર ગોપાષ્ટમીના આ અવસરે માતા યશોદાએ શ્રીકૃષ્ણને ખૂબ જ સુંદર રીતે તૈયાર કર્યા. મોરમુકુટ ધારણ કરાવ્યો. પગમાં ઘુંધરું પહેરાવ્યા. સુંદર પાદુકા પહેરાવી. પરંતુ, કાન્હાએ તો તેમની પાદુકા જ કાઢી દીધી. અને માતા યશોદાને કહે, કે “માતા, જો તમે આ બધી ગાયોને પગમાં પાદુકા બાંધશો તો જ હું પાદુકા પહેરીશ.” માતા આ જોઇને ભાવુક થઇ ગયા અને શ્રીકૃષ્ણ તો પગમાં પાદુકા પહેર્યા વિના જ ગાયોને ચરાવા લઇ ગયા. શ્રીકૃષ્ણ ‘ગોપાલ’ બન્યા. કહે છે કે ત્યારથી જ કારતક માસની સુદ પક્ષની આઠમને ગોપાષ્ટમીના રૂપે ઉજવવાનો પ્રારંભ થયો. ભગવાન શ્રીકૃષ્ણએ તેમના જીવનમાં ગાયનું મહત્વ સમજાવ્યું. અને એટલે જ તો દેવરાજ ઈન્દ્રએ તેમને ‘ગોવિંદ’ એવું નામ આપ્યું.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles